Share This News

આયુષ્યમાન કાર્ડની શ્રેષ્ઠ કામગીરી બદલ ગુજરાતને ‘આયુષ્યમાન ઉત્કૃષ્ટતા પુરસ્કાર- ૨૦૨૨ એનાયત

Image source : Google

નમસ્કાર ન્યુઝ ગાંધીનગર

પુરા દેશમાં ગુજરાત મોડેલ સર્વશ્રેષ્ઠ છે અને ગુજરાત મોડેલને બીજા રાજ્યો પણ અનુસરતા હોય છે ત્યારે હમણાં ગુજરાતના ગૌરવમાં વધારો થયો છે

દેશના જરૂરિયાતમંદ અને ગરીબ કુટુંબોને રૂ.૫ લાખ સુધીની સારવાર વિનામૂલ્યે મળી રહે તેવા ઉમદા હેતુ સાથે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના-‘PM JAY’ અમલી બનાવી છે. જે ગુજરાત-ભારતના કરોડો ગરીબ કુટુંબો માટે આશીર્વાદરૂપ સાબિત થઇ રહી છે. ગુજરાતમાં પણ વર્ષ ૨૦૧૨થી કરોડો ગુજરાતીઓના હિતમાં શરૂ કરેલી ‘મુખ્યમંત્રી અમૃતમ-‘મા અને “મા વાત્સલ્ય” યોજનાનો વ્યાપ વધારવા રાજ્ય સરકારે કેન્દ્ર અને રાજ્ય સરકારની આરોગ્યલક્ષી યોજનાનો સમન્વય-મર્જ કરીને ‘PMJAY-મા’ યોજના કાર્યરત કરી છે.

Image source : google

ઉલ્લેખનીય છે કે આયુષ્માન ભારત – પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારો માટે નિયત માપદંડો ધરાવતા સામાજિક, આર્થિક અને જાતિ આધારિત સર્વેક્ષણ ૨૦૧૧ની યાદીમાં સમાવિષ્ટ પરિવારોને કુટુંબ દીઠ વાર્ષિક રૂ. ૫ લાખ સુધીનું આરોગ્ય કવચ પૂરું પાડવાના હેતુથી તા. ૨૩ સપ્ટેમ્બર-૨૦૧૮થી આ યોજના ભારતભરમાં અમલી બનાવી છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વમાં ગુજરાતમાં અંદાજે ૨.૮૯ કરોડ લાભાર્થીઓને પી.એમ.જે.એ.વાય.-મા યોજના હેઠળ આવરી લેવાનો લક્ષ્‍યાંક નક્કી કરાયો છે, જેમાં અત્યાર સુધી આ યોજના હેઠળ કુલ ૧.૭૩ કરોડ લાભાર્થીને આયુષ્માન કાર્ડ અપાયા છે. જે અંતર્ગત એપ્રિલ- ૨૦૨૧થી માર્ચ ૨૦૨૨ સુધીમાં કુલ ૪૯.૭ લાખ આયુષ્માન કાર્ડ ઇસ્યુ કરવામાં આવ્યા છે. જે સિદ્ધિ બદલ તાજેતરમાં ગુજરાતને લાભાર્થી નોંધણી અંતર્ગત શ્રેષ્ઠ કામગીરી માટે નેશનલ હેલ્થ ઓથોરીટી, નવી દિલ્હી દ્વારા “આયુષ્માન ઉત્કૃષ્ટતા પુરસ્કાર ૨૦૨૨” એનાયત કરવામાં આવ્યો છે.

image source : google

ગુજરાતમાં યોજનાની શરૂઆતથી તા.૧૫ ફેબ્રુઆરી-૨૦૨૩ની સ્થિતિએ PMJAY-મા’ યોજનામાં ૧.૭૩ કરોડ લાભાર્થી કાર્ડની નોંધણી સામે ૪૯ લાખથી વધુના લાભાર્થી દાવાઓ મંજૂર કરવામાં આવ્યા છે. જે અંતર્ગત રૂ. ૯,૦૫૫ કરોડની રકમ સારવાર પેટે ખર્ચ કરવામાં આવી છે.

આરોગ્યમંત્રી ઋષિકેશભાઇ પટેલના સતત માર્ગદર્શનમાં રાજ્યની આશા બહેનો, આંગણવાડી વર્કર્સ, પંચાયતી રાજ સંસ્થાઓ જેવા પાયાના કાર્યકરો રાઉન્ડ ધ ક્લોક કામગીરી કરી રહ્યા છે. અગાઉ એક કાર્ડ ઉપર એક પરિવારને લાભ મળતો હતો પરંતુ હવે પરિવારના દરેક સભ્યને PMJAY-મા કાર્ડનો લાભ મળે તે પ્રકારનું સુદ્રઢ આયોજન રાજ્યના આરોગ્ય વિભાગે હાથ ધર્યું છે.

ગુજરાતમાં લાભાર્થીઓને યોજનાનો લાભ મળી રહે અને સંકટ સમયે નાણાના અભાવે સારવાર અટકી ન પડે તે માટે “આપ કે દ્વાર-આયુષ્માન મહાઝુંબેશ” અંતર્ગત મિશન મોડ પર આવકના દાખલા કઢાવી, “આયુષ્માન” કાર્ડ રિન્યુ કરાવવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. ગામે-ગામ આશા બહેનો અને આરોગ્ય કાર્યકરો મારફતે ડોર-ટુ-ડોર દસ્તક કરી આવકના દાખલા રિન્યુ કરવાની કામગીરી ઉપરાંત અતિદુર્ગમ વિસ્તારના ગામોમાં પણ “આયુષ્માન” કાર્ડ કેમ્પ યોજવામાં આવી રહ્યા છે. જેના પરિણામે મહત્તમ નાગરિકોએ નવા આવકના દાખલ સાથે “આયુષ્માન” કાર્ડ રિન્યુ કરાવ્યા છે.

વધુમાં “મા” અને “મા વાત્સલ્ય”ના BIS સોફ્ટવેરમાં મોટા ભાગના પાત્રતા ધરાવતા નાગરિકોએ નવા “આયુષ્માન” કાર્ડ માટે પણ નોંધણી કરાવી છે. નિયત માપદંડો ધરાવતા પરિવારોને નિયત સારવાર-ઓપરેશન માટે કુટુંબદીઠ વાર્ષિક રૂ. ૫ લાખ સુધીની સારવાર વિનામૂલ્યે આપવામાં આવે છે. જેમાં કુટુંબનાં સભ્યોની મર્યાદા વગર, બધા જ વ્યક્તિને લાભ આપવામાં આવે છે.

આ યોજના અંતર્ગત રાજ્યની કુલ ૨,૭૨૯ હોસ્પિટલમાં ૨૦૦૪ સરકારી અને ૭૨૫ ખાનગી હોસ્પિટલમાં “આયુષ્માન” કાર્ડ હેઠળ સામાન્ય બિમારીથી લઇને ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ જેવી ગંભીર તેમજ ખર્ચાળ બિમારીઓ માટે કુલ ૨,૭૧૧ જેટલી નિયત પ્રોસીજરો/ઓપરેશનોનો લાભ મળવાપાત્ર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed